Wednesday, April 2, 2014

ઈતના સન્નાટા ક્યું હૈ! અડવાણીની રેલી અને પરેશ રાવલની સભા નીરસ

ગાંધીનગર બેઠક પરથી છઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પ્રચાર માટે ગાંધીનગરમાં યોજેલી વિજય વિકાસ યાત્રાની પ્રથમ રેલીમાં ૧૦૦ જેટલા પણ કાર્યકરો એકત્ર નહીં થતાં આગેવાનોએ આખો દિવસ માત્ર આઠ દસ ગાડીઓ દોડાવીને સંતોષ માન્યો હતો. સાંસદ તરીકે અડવાણી માટે મતદારો કે કાર્યકરોમાં કોઇ ઉમળકો જોવા મળતો નથી.
ગાંધીનગર શહેર વિસ્તાર અને આસપાસના ગામોમાં આજથી ત્રણ દિવસ માટે વિજય વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે જ આ યાત્રાનો રકાસ થયો હોય તેવું ચિત્ર ઉપજ્યું હતું. ગાંધીનગરના ધારાસભ્ય અશોક પટેલ અને મેયર મહેન્દ્રસિંહ રાણા સહિ‌તના સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા હતા પરંતુ આઠથી દસ ગાડીઓનો કાફલો સેક્ટરોમાં ફર્યો હતો.
-ચૂંટણી જાહેર સભા: અભિનેતાના સ્વાગત માટે કાર્યકરો જ ગુમ થઈ ગયા

દહેગામ તાલુકાના સાત ગામોમાં પરેશ રાવલે મંગળવારે ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ જે ગામોના રૂટ પર તેમના સ્વાગતનું અગાઉથી ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લી ઘડીએ ફિયાસ્કો થયો અને ચારેક ગામોમાં તો સ્વાગત સમયે પક્ષના જ કોઈ કાર્યકરો ફરક્યા નહીં, જેના કારણે ત્યાં કૂતુહલવશ ભેગા થયેલા ગામવાસીઓને કેસરિયા ખેસ પહેરાવી ભાજપના કાર્યકર્તા હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને પરેશ રાવલનું સ્વાગત કરવા આગળ ધકેલી દેવાયા હતા. ગ્રામવાસીઓ પણ પરેશ રાવલને ઉમેદવાર તરીકે સાંભળવાને બદલે અભિનેતા તરીકે જોવાની ઉત્સુકતાને કારણે એકઠા થયેલા જોવા મળ્યા હતા.

No comments:

Post a Comment