Thursday, October 31, 2013

ધોનીસેનાએ સર કર્યું વધુ એક ‘વિરાટ શિખર’, કાંગારૂઓનો કચ્ચરઘાણ

- ભારતે છઠ્ઠી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપ્યો
- ભારતે વનડે ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડ્યો
- બેઈલીની વિસ્ફોટક સદી (156) અને વોટસનની આક્રમક સદી (102) ગઈ બેકાર
- મેન ઓફ ધ મેચ કોહલીના અણનમ 115 રન, ધવને પણ ફટકારી શાનદાર સદી


વિરાટ કોહલીની વધુ એક વિસ્ફોટક સદી અને શિખર ધવનની આક્રમક સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને હાઈસ્કોરિંગ મેચમાં વધુ એક વખત પરાજય આપ્યો છે. બેઈલી અને વોટસનની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ આપેલા 351 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને પાર પાડી દીધો હતો. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડવાનું કારનામુ કર્યું છે. ભારતે  છઠ્ઠી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપીને શ્રેણીને 2-2થી સરભર કરી દીધી છે. જેથી સાતમી અને અંતિમ વનડે નિર્ણાયક બની રહેશે.

સુકાની જ્યોર્જ બેઈલીના તોફાની 156 રન અને શેન વોટસનના આક્રમક 102 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે 351 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર્સના જણાવ્યા પ્રમાણે નાગપુરની પિચ પર આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરવો લોઢાના ચણા ચાવવા જેવો છે. પરંતુ લોઢાના ચણા ચાવવામાં માહેર ધોનીસેનાએ આ લક્ષ્યાંકને પણ પાર પાડી દીધો હતો. શિખર ધવન (100) અને રોહિત શર્મા (79)ની જંગી ભાગીદારી બાદ વિરાટ કોહલીએ વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જોકે, છેલ્લે છેલ્લે ઓસ્ટ્રેલિયન બોલરોએ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક બની રહી હતી. પરંતુ વિરાટ કોહલી (અણનમ 115 રન) અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની સમજદારીપૂર્વકની બેટિંગની મદદથી ભારતે 49.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 351 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પહેલા ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શરૂઆતમાં ભારતીય બોલરોએ સુકાની ધોનીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ઓપનર એરોન ફિંચ અને ફિલિપ હ્યુજીસને સસ્તામાં આઉટ કર્યા હતા. પરંતુ શેન વોટસન અને સુકાની જ્યોર્જ બેઈલીનું આગમન થયા બાદ બાજી પલટાઈ ગઈ હતી. બન્ને બેટ્સમેનોએ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને રોકેટ ગતિથી આગળ વધારી હતી. વોટસન (102) અને બેઈલી (156) એ પોતાની સદી પૂરી કરી હતી. બેઈલી અને વોટસનની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 350 રન બનાવ્યા હતા.

- બેઈલીનો રેકોર્ડ

જ્યોર્જ બેઈલી બે દેશો વચ્ચે રમાયેલી વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો સુકાની બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકન સુકાની એબી ડિવિલિયર્સના (367) નામે હતો.

ઓસ્ટ્રેલિયન ટીમ :- એરોન ફિંચ, ફિલિપ હ્યુજીસ, શેન વોટસન, જ્યોર્જ બેઈલી (સુકાની), એડમ વોજીસ, ગ્લેન મેક્સવેલ, બ્રેડ હેડિન (વિકેટકીપર), જેમ્સ ફોકનર, મિચેલ જોન્સન, ક્લિંટ મેકાય, ઝેવિયર ડોહર્થી.

ભારતીય ટીમ :- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, મોહમ્મદ શમી.


No comments:

Post a Comment