Thursday, November 7, 2013

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ
પ્રથમ દાવ - 234 ઓલ આઉટ, ભારત - 37/0, ધવન 21 અને વિજય 16 રને રમતમાં
રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ કર્યું ટેસ્ટ ડેબ્યૂ, શમીનો તરખાટ લીધી 4 વિકેટ

માર્લોન સેમ્યુઅલ્સની આક્રમક અડધી સદી, અશ્વિનને મળી બે સફળતા


મોહમ્મદ શમી સહિત બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનના દમ પર ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ વેસ્ટ ઈન્ડીઝ ટીમ પર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. માર્લોન સેમ્યુઅલ્સે (65) અડધી સદી ફટકારી હોવા છતાં ભારતીય બોલરો સામે કેરેબિયન બેટ્સમેનો ઘૂંટણીયે પડી જતાં વેસ્ટ ઈન્ડીઝનો પ્રથમ દાવ 234 રનમાં સમેટાઈ ગયો હતો. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 37 રન બનાવી લીધા છે. મુરલી વિજય 16 અને શિખર ધવન 21 રને રમતમાં છે. (વાંચો :- ગૂંજ્યો સચિનનો નાદ: બાઉન્ડ્રી પર માસ્ટર બ્લાસ્ટરે બાળકોને કર્યા ખુશ)
 
સચિનની 199મી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોએ કેરેબિયન ટીમના આ નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો. કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ સામે કેરેબિયન ટીમ ઘૂંટણીયે પડી ગઈ હતી.

સચિન ઉપરાંત આ મેચમાં ક્રિકેટપ્રેમીઓની નજર ક્રિસ ગેઈલ પર પણ હતી. પરંતુ ગેઈલ ફેલ રહ્યો હતો. જોકે, માર્લોન સેમ્યુઅલ્સે રમેલી આક્રમક અડધી ઈનિંગ્સના દમ પર વેસ્ટ ઈન્ડીઝની ટીમ 234 રન બનાવવામાં સફળ રહી હતી. કેરેબિયન ટીમ 78 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
 
- સચિને લીધી વિકેટ
 
પ્રથમ દિવસે મોહમ્મદ શમીએ ભારત તરફથી ચાર વિકેટ લીધી હતી પરંતુ પ્રેક્ષકોને માટે સૌથી મજાની વિકેટ શેન શિલિંગફોર્ડની રહી હતી. પ્રથમ દિવસે સુકાની ધોનીએ સચિન પાસે બે ઓવર કરાવી હતી. ટી બ્રેક પહેલા જ સચિને પોતાની પ્રથમ ઓવર કરી હતી અને પ્રથમ ઓવરમાં જ સચિને શિલિંગફોર્ડને એલબીડબ્લ્યૂ આઉટ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. સચિને વિકેટ લીધા બાદ સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ જોરદાર તાળીઓ સાથે તેને વધાવી લીધી હતી.
 
વેસ્ટ ઈન્ડીઝ ટીમ :- ક્રિસ ગેઈલ, કિરોન પોવેલ, ડેરેન બ્રાવો, માર્લોન સેમ્યુઅલ્સ, શિવનારાયણ ચંદ્રપોલ, દિનેશ રામદિન (વિકેટકીપર), ડેરેન સેમ્મી (સુકાની), શેન શિલિંગફોર્ડ, વીરાસેમ્મી પેરામલ, શેલ્ડન કોટ્રેલ, ટિનો બેસ્ટ.
 
ભારતીય ટીમ :- શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, અશ્વિન, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, પ્રજ્ઞાન ઓઝા.

No comments:

Post a Comment